"પુણ્યભુમિ મધવાસ
મહાદેવ મંદિર નો પુરાતન અભિલેખ અને મધવાસ ગામનો ઇતિહાસ".
મધવાસ ગામ પરમ પાવન મહીસાગર નદીના તટ પર ઊંચાઈ વાળી જગ્યાએ વસેલું છે. શ્રીગૌડ બ્રાહ્મણો દ્વારા વસાવાયેલ આ ગામ માં એક સમયે બ્રાહ્મણો ની વસ્તી મોટી સંખ્યા માં હતી, જેઓ હાલ માં 2-3 કુટુંબો ને બાદ કરતાં વ્યવસાય અર્થે દેશ પરદેશ માં સ્થળાંતરિત થઈ ગયા છે . હાલ માં ગામ માં મુખ્યત્વે પટેલ સમાજ ની વસ્તી છે, જ્યારે અન્ય સમાજ ના લોકો પણ જૂજ સંખ્યા માં છે. ગામ નદી ના કોતરો માં વસેલું છે, જે ઊંચાઈ પર ના મકાનો અને નીચા રસ્તાઓ થી અનુભવાય છે . નદી માં હંમેશા પુર નો ખતરો રહેતો હતો , જે મહી નદી ઉપર કડાણા ડેમ બનવા થી હાલ ઓછો રહ્યો છે.
મધવાસ ગામ ની પ્રાચીનતા વિશે વિચારીએ તો ગામ ના પાદરે આવેલ મંદિર સમૂહ તેમાં સહાયભૂત થાય છે . મધવેશ્વર મહાદેવ મંદિર, રણછોડજી મંદિર તથા ગામ ના મૂળ વતની શ્રીગૌડ બ્રાહ્મણો ના કુળદેવી મહાલક્ષ્મી માતાજી નું મંદિર આ સમુહ ના ભાગ રૂપે છે . આ બધા માં મહાદેવ મંદિર પ્રાચીનતમ છે .મહાદેવ મંદિર માં એક અભિલેખ આવેલો છે જે ગર્ભગૃહ ના પ્રવેશ દ્વાર ની જમણી બાજુ દીવાલ માં ચણાયેલ છે. (ફોટોગ્રાફ આ લેખ સાથે સામેલ છે ) આ અભિલેખ દેવનાગરી લિપિ માં છે . જે ઇસવી સન 1586 ના મે માસ નો છે . આ અભિલેખ પુરાતન હોવાથી સંરક્ષિત જાહેર થવો જોઈએ .
આ અભિલેખ માં વિક્રમ સંવત નો ઉલ્લેખ શ્રી સંવત તરીકે કરવા માં આવેલ છે .જે તે સમય ની પરંપરા અનુસાર લેખ માં સંવત ની સાથે શકાબદ નો ઉલ્લેખ છે .મંદિર ની પ્રતિષ્ઠા અક્ષય તૃતીયા ના શુભ મુહૂર્ત માં થઈ હતી .જે હાલ માં પરશુરામ જયંતિ તરીકે પણ ઉજવાય છે .આ લેખ માં કાલ ગણના ના વિશિષ્ઠ સ્વરૂપ માં દિવસ લખવા માટે સંવત તથા શકાબદ સહિત માસ તિથિ ઉત્તરાયણ તથા વસંત ઋતુ નો ઉલ્લેખ છે .આ અભિલેખ કુલ 10 પંક્તિ માં છે, જેના વર્ણન અનુસાર રાણા કુંભા, જેઓ આ મંદિર ના નિર્માણ ના સમયગાળા પછી લુણાવાડા રાજ્ય ના રાજવી પદે સ્થાપિત થયા હતા , તેમણે પોતાના કુટુંબ સહિત આ મંદિર ની સ્થાપના કરાવી હતી.
આ પાઠ તથા અભિલેખ નું વાંચન ઉદયપુર (રાજ.) સ્થિત શ્રી ડો.શ્રીકૃષ્ણ જુગનુજી એ કરેલ છે, જેઓ વિદ્વાન લેખક અને અભિલેખ વિદ્યા ના તજજ્ઞ છે , તેમણે પુરાતત્વ, ભારતીય સંસ્કૃતિ , શિલ્પશાસ્ત્ર ઉપર દોઢસો થી વધુ પુસ્તકો લખ્યા અથવા સંપાદિત કરેલ છે .
આ અભિલેખ નો પાઠ નીચે મુજબ છે.
90|| સ્વસ્તિશ્રી સંવત (86) પ્રવર્ષે વૈશાખ સુદી 3 || 1 ||
રવિ શાકે 1507 પ્રવર્તમાને ઉત્તરાયન ગતે || 2 ||
શ્રી સુર્યે વસંત ઋતો ,મધવાસ શુભ સ્થાને રાઉ || 3 ||
લ શ્રી કુંભાજી,સુત રાઉલશ્રી જિતાજી સુત || 4 ||
રાઉલશ્રી રાધાજી,સુત રાઉલશ્રી પાતાજી ની || 5 ||
માતા બાદમરીષી પાતાજી ની ભાર્યા બાઈ ઊર્મિલી || 6||
સુત રાઉલ કલા ભાર્યા કલ્યાણ વ વિત્તિય સુત રા || 7 ||
ઉલ બદા ભાર્યા રન્નાદે, રાઉલ કલા સુત રાઉલ આસ || 8 ||
રાઉલ બદા સુત રાઉલ નાના સમસ્ત કુટુંબ રાઉલ પા || 9 ||
તિ શ્રી મહારુદ્ર નું પ્રાસાદ કરાપીતં | શુભમ ભવતુ : ||10 ||
આ અભિલેખ નો ભાવાનુવાદ કરિયે તો સ્વસ્તિ શ્રી સંવત (86) વૈશાખ સુદી ત્રીજ , અક્ષય તૃતીયા ના શુભ દિવસે રવિ શાકે 1507 (ઇ સન 1586 ) ની વર્ષા ઋતુ ની પહેલા ( મે મહિના માં ) મધવાસ શુભ સ્થાને રાણા કુંભાજી એ પોતાના પત્ની પુત્ર પૌત્ર તથા સમગ્ર કુટુંબ સહિત મહાદેવ રુદ્ર પ્રાસાદ (મંદિર ) નું નિર્માણ કરેલ છે .અભિલેખ માં રાણા કુંભા નો ઉલ્લેખ છે, તેઓ સત્તર મી સદી ની શરૂઆત ના વર્ષો માં લુણાવાડા ના રાજવી બન્યા હતા, અભિલેખ માં ઉલ્લેખિત કુંવર જિતાજી (જીતસિંહ ) પણ તેમના પછી લુણાવાડા ની ગાદી ઉપર બિરાજ્યા હતા . જે તે સમયે લુણાવાડા રાજય ના રાજવી કુટુંબ દ્વારા મધવાસ ગામ માં મહાદેવ મંદિર નું નિર્માણ એ રાજ્ય માં મધવાસ ગામ ની તથા તેના રહેવાસી બ્રાહ્મણો ની મહત્તા દર્શાવે છે. મૂળભૂત રીતે શિવપૂજક એવા મધવાસ ગામ ના શ્રીગૌડ બ્રાહ્મણો એ રાજ્યાશ્રય પામી દક્ષિણા માં ભૂમિ મેળવી હશે, છતાં તેઓ સંપૂર્ણ રાજ્યાશ્રય માં ના રહેતા પોતાની રીતે મહી નદી ના કિનારે સ્વતંત્ર જીવન જીવી પ્રભુ પૂજા અને મનગમતી પ્રવૃત્તિ કરતા હતા .
અભિલેખ લખાયો તે સમય ગાળા માં ગુજરાત માં સુલ્તાની રાજ્ય સમાપ્ત થઈ ને મુઘલ સુબો રાજ કરતો હતો, જયારે દિલ્હી ની ગાદી પર મુઘલ શહેનશાહ અકબર નું રાજ ચાલતું હતું.
મહાદેવ મંદિર એક ટેકરા ઉપર છે, જેનો એક થી વધુ વખત જીર્ણોદ્ધાર થયો લાગે છે .જેથી મંદિર નું મૂળ સ્વરૂપ રહ્યું નથી . છતાં શિવલિંગ અને અન્ય મૂર્તિઓ પુરાતન લાગે છે. મંદિર ની આગળ શનિદેવ ની મૂર્તિ છે ,જે સિંદૂર લાગવા થી હનુમાનજી ની મૂર્તિ જેવી લાગે છે. જ્યારે કેટલીક નાની દેરીઓ છે, જે મહાદેવ મંદિર ના મહંતો ના સ્મારક રૂપે ચણાઈ હશે. મંદિર ના આંગણ માં કેટલીક ખંડિત મૂર્તિઓ અને શિવલિંગ પણ છે, જે ગામ ના વૃદ્ધ માણસો ના કહેવા અનુસાર ગામ નું એક નાનું મંદિર હાઈ સ્કૂલ ના રમત ગમત ના મેદાન માટે તોડી નંખાયું હતું તેના છે . મહાદેવ મંદિર ની બાજુ માં જીર્ણોદ્ધાર થયેલ રણછોડજી મંદિર છે જેનો વહીવટ ગામ નો પટેલ સમાજ કરે છે. આ મંદિર પરિસર માં ઘણા બધાં નાના મંદિર અને દેવી દેવતાઓ ની મૂર્તિઓ છે. જે એક પૂજનીય વાતાવરણ ઉભું કરે છે. આ મંદિર થી ગામ તરફ જતા રસ્તા ઉપર નદી કિનારે ટેકરા ઉપર મહાલક્ષ્મી મંદિર છે, જે આ ગામ ના મૂળ નિવાસી શ્રીગૌડ બ્રાહ્મણો ના કુળદેવીનું મંદિર છે. આ મંદિર ની સ્થાપના નો પ્રમાણભૂત સમય મળતો નથી , જૂનું મંદિર જે હાલ માં અસ્તિત્વ માં નથી ,તે 300 થી વધુ વરસ જૂનું હોઈ શકે. હાલ નું મંદિર આશરે 65-70 વરસ પહેલાં અગાઉ નું મંદિર તોડી તેની દિશા બદલી બનાવેલ છે ,જેમાં માતાજી ની મૂર્તિ જુના મંદિર ની પધરાવેલ છે. જુના મંદિર ની માતાજી ની મૂર્તિ ના સ્થાને હાલ નાનું મંદિર બનાવી પાદુકા પધરાવેલ છે. મંદિર ના પ્રાંગણ માં થી મહીસાગર નદી નું દ્રશ્ય નયન રમ્ય અને મન ભાવન લાગે છે . મધવાસ ના મૂળ વતની શ્રીગૌડ બ્રાહ્મણો એ તાજેતર માં ફાળો એકત્ર કરી મંદિર, ધર્મશાળા અને નદી તરફ નો ચોક વગેરે નું પુનઃ નિર્માણ કરી આસપાસ ની જગ્યા નો વિકાસ કરેલ છે.
મધવાસ ગામ ના પાદરે આ મંદિર સમૂહ ભવ્ય, અલૌકિક અને પવિત્ર દ્રશ્ય ખડું કરે છે .આ મંદિર પાસે શિવરાત્રી તથા જન્માષ્ટમી મેળો ભરાય છે, ત્યારે ગામના અને નજીક ના અન્ય ગામો ના લોકો મેળો માણે છે. મધવાસ ગામ હાઈવે થી એક કિલોમીટર અંદર છે, અહીં વિકાસ ના નામે આડેધડ ચણતર થયા નથી, જેથી અહીં હજુ શાંત વાતાવરણ માણી શકાય છે . અહીં મહી નદી કિનારે નૂતન ભવ્ય મોક્ષ ધામ (સ્મશાન) બનાવ્યું છે, જેમાં આજુબાજુ ના ગામો માંથી મૃતદેહ પવિત્ર મહીસાગર નદી કિનારે અંતિમ સંસ્કાર માટે લાવવા માં આવે છે.
મધવાસ ને ત્યાં આવેલ મંદિર સમૂહ ના લીધે મહીસાગર જિલ્લા નું એક યાત્રાધામ ગણી શકાય .
સંપાદન સૌજન્ય :
તરુણ દેવેન્દ્રપ્રસાદ શુક્લ .
કિશોર માણેકલાલ શુક્લ અને
સમગ્ર ટિમ સમર્પણ -મધવાસ .