sub_banner-1

મેડતવાળ પક્ષ

બ્રાહ્મણોત્પત્તિ માર્તંડ માં જણાવ્યું છે કે "મેડત (ઉર્ફે) મેરટ- મેડતમાં વાસ કરનારા મેડતવાળ કહેવાયા" "શ્રીગૌડ પ્રકાશ" માં પણ તેમજ કહે છે. મેડત એટલે મેરઠમાં વાસ કરનારા શ્રીગૌડ બ્રાહ્મણો મેડત વાળ કહેવાયા.
 
આ જ્ઞાતિના મુખ્યત્વે વસવાટ કરનાર સુરત, બુરાનપુર, અમદાવાદ, પાટણ, વિરમગામ, રાધનપુર, ધોળકા, ઢવાણા, દેથલી, બાંટવા, પાટડી, હારીજ, અડાલજ, સુઘડ, કોલવડા, વાસણા, પીપળજ, પેથાપુર, સરઢવ, સરગાસણ, બોરીજ, ઘ્વારકા, ખંભાત, નડિયાદ, વડોદરા, મુંબઈ અને અન્ય સ્થળે છે.
 
શ્રીગૌડ મેડતવાળ મંડળની સ્થાપના તા.૨૫-૧-૧૯૨૦ ના રોજ થઈ હતી.તે વખતના જ્ઞાતિ સેવાના અભિલાષીઓ (૧) શ્રી મણિલાલ ગોપાળજી જોષી - તેઓ શ્રીગૌડ બ્રાહ્મણ જ્ઞાતિનો ઈતિહાસ છપાવ્યો હતો અને મંડળના આદ્ય સ્થાપકોમાંના એક (૨) શ્રી છોટાલાલ દલપતરામ જોષી (૩) શ્રી ભોળાનાથ દીનાનાથ મહેતા તથા (૪) શ્રી વૃંદાવન માણેકલાલ ભટ્ટ - એ સારી સેવા આપી હતી. આ મંડળે તા.૧૦-૫-૭૦ ના રોજ પચાસ વર્ષનો સુવર્ણ મહોત્સવ ઉજવ્યો હતો. મંડળ તરફથી "શ્રીગૌડ જ્યોતિ" સને ૧૯૪૯ માં શરૂ કરવામાં આવ્યું હતું. તે સને ૧૯૫૫ માં બંધ પડ્યું. તે પૂર્વે " શ્રીગૌડ બંધુ " પણ કાઢવામાં આવ્યું હતું તે પણ બંધ પડ્યું હતું.
 
મુંબઈમાં શ્રીગૌડ મેડતવાલ હિત-વર્ધક મંડળ હતું અને તેના તરફથી તા.૧-૬-૫૦ થી "જાગૃતિ" નામે પત્ર કાઢવામાં આવ્યું હતું પણ ૧૯૫૩માં તે બંધ પડ્યું હતું. હાલનું મંડળ બંધારણપૂર્વક રચાયેલું છે અને તે સોસાયટી એક્ટ અને પબ્લિક ટ્રસ્ટ એક્ટ મુજબ રજીસ્ટર કરવામાં આવ્યું છે. તેમાં શ્રી ચંદુલાલ બલદેવરામ ત્રિવેદી, ઘણાં વર્ષોથી કામ કરી મંડળને સુકિર્તી અપાવી છે.
 
શ્રીગૌડ જ્યોતિ ની ફાઈલોમાંથી માહિતી મળે છે કે એક ૧૬ ગામનો જથો, બીજો "બાવન ચોરા" નો જથો આ નામના બે ભાગ હતા. સોળ ગામના જથાનું મુખ્ય કેન્દ્ર મુંબઇ હતું, અને બાવનચોરાનું કાર્યક્ષેત્ર અમદાવાદ હતું. શ્રીગૌડ જ્યોતિ એ અમદાવાદ કેન્દ્રનું મુખપત્ર હતું. જ્ઞાતિના મહેતા ભોળાનાથ દીનાનાથે પોતાની ઓઢવ ગામની સરિયામ રસ્તા ઉપરની બે ગુંઠાની ઈનામી જમીન, કુવા તથા બે ઓરડીઓ અને પડાળી સહિત સને ૧૯૫૦ માં શ્રી મહાલક્ષ્મી માતાની પ્રતિષ્ઠા કરવા બીનશરતી આપી હતી; ને તેમાં હાલ માતાજી બિરાજે છે.