sub_banner

Message from pramukh shri

pramukh-photo

પરમ પૂજ્ય વડિલો, આદરણીય શ્રીબંધુઓ, બહેનો અને ઉત્સાહ સભરયુવાસાથીઓ...

આપ સૌને મારા સાદરવંદન અને નમસ્કાર ..!
સૌ પ્રથમ તો આપે મારી “સમસ્ત શ્રીગૌડ સમાજના પ્રમુખ”તરીકે વરણી કરી તે માટે હૃદયથી આભાર વ્યક્ત કરું છું.

આપણે ત્યાં અનેક સમાજલક્ષી કાર્યો થતા રહ્યા છે અને થાય છે. સમય અને સંજોગો પ્રમાણે સામાજિક પરિપ્રેક્ષ્યમાં પરિવર્તન આવે છે અને સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે આ સદા આવકાર્ય હોવું પણ જોઈએ.

સમૂહ મા ચાલે તે સમાજ આ ઉક્તિ ત્યારે જ ચરિતાર્થ થાય જ્યારે દરેક શ્રીબંધુ પોતાનું સામાજિક દાયિત્વ અદા કરે. આ માટે હકારાત્મક અભિગમ અને તંદુરસ્ત વાતાવરણ હોવું આવશ્યક છે.

હવે આપણે “સૌએ આમ કરવું જોઈએ આ પ્રમાણે ના હોય કે અમે-તમેની વિચારસરણી ને ત્યાગી ને ખાસ ધ્યેય નક્કી કરી ચર્ચા-વિચારણાના અંતે સમાજના ઉત્કર્ષ માટે યથાશક્તિ યોગદાન આપવા તત્પર રહેવું જ પડશે. “મેં આ કર્યું” ની આત્મશ્લાધાની ભાવના ત્યજી ને કે આપણે સહુએ જબરજસ્ત ઉત્સાહનું વાતાવરણ સર્જિ કોઈ પણ ખૂણે રહેતા શ્રીબંધ ને મુખ્યધારામાં લાવવા દરેકે અથાગ પ્રયત્નો કરવાની જરૂર છે.

જેવી રીતે આપણી જીવન શૈલીને આધુનિક ઓપ આપવા અથાગ પરિશ્રમ કરીએ છીએ એ જ રીતે આપણા સમાજ ને પણ આધુનિકતા નો ટચ આપવાની જરૂર છે. બાળકોને ઉચ્ચ શિક્ષણ મળે, જરૂરિયાતમંદને પૂરતી સહાય મળે, વિવિધ પ્રસંગો માટે આપણું પોતાનું શ્રીભવન હોય વગેરે જેવા અનેક આવશ્યક કામો પૂર્ણ કરવા કટીબદ્ધ થવાની જરૂર છે.

મિત્રો, સાચા ઇરાદા અને સાચી વૃત્તિથી શરૂ થયેલા કાર્યો સફળ થાય જ છે. આપણે સૌએ સાથે મળીને પરંપરાગત રૂઢિગત જડતાને ત્યજી મૂળભૂત મૂલ્યોના જતનની સાથે સાથે સામાજિક નવસંચારની દિશામાં આગળ વધવાનું છે. આ આજના સમયની માંગ છે. આ સમાનતા નો યુગ છે. નારી શકિત અનેક ક્ષેત્રોમાં સમોવડી બની ને સિદ્ધિના શિખરો સર કરી રહી છે ત્યારે હું બહેનોને ખાસ અપીલ કરું છું કે, આપ સૌ પણ પ્રત્યક્ષ રીતે આપણા સમાજના વિવિધ કાર્યો અને કાર્યક્રમોમાં ભાગ લઈ આપનું અમૂલ્ય યોગદાન આપો. આપણા યુવાધનમાં અનેક સુષુપ્ત શક્તિઓ રહેલી છે. આધુનિક ટેકનોલોજી સાથે તાલ મિલાવતા યુવક-યુવતિઓ સામાજિક ઐક્ય માટે કાર્યરત બને તો સોનામાં સુગંધ ભળે.

પહેલા કરતા હવે ટેકનોલોજીના કારણે સંપર્કો સરળ બન્યા છે. જો આપણે સોશિયલ મિડિયા દ્વારા અજાણ્યા ને પણ મિત્ર બનાવી સંબંધની જાળવણી કરવા તત્પર રહેતા હોઈએ તો આપણે તો શ્રીબંધુઓ છીએ. એક નાનકડો પ્રયત્ન અને નેક ઈરાદો હોય તો કોઈપણ બાબતને સાકાર કરવી આપણા માટે અશક્ય નથી જ.

આપણી આવનારી પેઢીઓ ગૌરવ લઈ શકે અને દરેક શ્રીબંધુ પોતાના પદ અને પરિસ્થિતિ પ્રમાણે સમાજને ફાયદાકારક પ્રવૃત્તિઓમાં સહભાગી થાય તો સર્વાગી રીતે, ખૂબ ઓછા સમયમાં અને ઝડપી ગતિ એ પ્રગતિ થાય જ, એવા ઉમંગ અને દઢ સંકલ્પ સાથે આપણે બધા એ એક થઈ કાર્ય કરવાનું છે.

આપ સૌ શ્રીબંધુઓ માત્ર ને માત્ર સમાજના ઉત્થાન માટે આપના અભિપ્રાયો, મંતવ્યો કે વિચારો નિઃસંકોચ પણે જણાવી શકો છો.

સમસ્ત શ્રીગૌડ સમાજના પ્રમુખ તરીકેની મારી વરણી કરી અને મારામાં મુકેલા વિશ્વાસ માટે ફરી દરેક શ્રીબંધુઓનો વ્યક્તિગત રીતે આભાર માનું છું.

જય મહાલક્ષ્મી મા !
આપનો શુભચિંતક,
કમલેશ એસ. પાઠક
પ્રમુખ, સમસ્ત શ્રીગૌડ સમાજ, ગુજરાત