ઊજાળી જન્મભૂમિને, અહીં આ શીર ઝુકે છે મધવાસ ની અપ્રતિમ ગરિમા રાષ્ટ્રવાદી સ્વાતંત્ર્ય સેનાની (૧૯૦૯ થી ૧૯૬૫)
મધવાસ ગામ ભલે નાનકડું ગામડું હતું પણ આઝાદીની ક્રાંતિકારી ચળવળમાં ગામને અપ્રતિમ ગરિમા અપાવનાર નિર્ભિક, નિઃસ્વાર્થ, સાહસિક અગ્રણી, સ્વાતંત્રસેનાની સ્વ. અંબાલાલ દાજીભાઈ શુક્લ જેવા ખમીરવંતા દેશસેવક નું નામ આઝાદીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલ છે.
શ્રી અંબાલાલ ભાઈનો જન્મ ૧૯૦૯માં થયો હતો. ધો.૭ સુધીનો અભ્યાસ કર્યો હતો. પૂ. ગાંધીજીનો આઝાદી જંગની ટહેલ ને પ્રતિસાદ રૂપે તેઓએ સક્રિય યોગદાન આપ્યું. ઘરના કુટુંબીજનો પરિવારજનોના યોગક્ષેમ ની પરવા કર્યા વગર ચળવળમાં જોડાઈ ગયા. જુલમ અને અન્યાય સામે કફન બાંધીને અલગારી બનીને જોડાઈ ગયા.
પ્રારંભમાં અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા યોજાતી સભા સંઘર્ષોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. બ્રિટિશ અધિકારીઓની અવગણના કરીને બ્રિટિશરાજની અન્યાયની નીતિઓ માટે પડકાર કર્યો. ગાંધીજીની વિચારસરણીથી પ્રભાવિત થયેલ હોવા છતાં આઝાદીની ચળવળના આઝાદીની ચળવળમાં આક્રમકતા ઉચ્ચકક્ષાની હતી. પરદેશી કાપડ ને બંધ કરવા તથા દારૂના પીઠાં બંધ કરવા પિકેટિંગ કરવામાં અગ્રેસર રહ્યા. ઘણી જગ્યાએ પરદેશી કાપડની હોળી કરી આ માટે તેઓશ્રીને કૃરપણે માર મારતાં એકવડિયા શરીર પર સોળો ફૂટી નીકળી હતી. છતાં કાપડનો વિરોધ ચાલુ રાખ્યો. પોતે જીવનભર ખાદી પહેરવાની પ્રતિજ્ઞા લીધી. તેમની ખુમારીનો પરચો ૧૯૩૦માં સવિનય કાનૂનભંગની ચળવળ વખતે મળ્યો. મીઠા ઉપર વેરો નંખાતાં ઠેરઠેર વિરોધ થયો અને મીઠાનો સત્યાગ્રહ કરવા ગાંધીજીએ ચળવળ ઉપાડી. શ્રી અંબાલાલભાઈ સને ૧૯૩૦માં ધોલેરા પાસે મીઠાના કાયદાનો ભંગ કર્યો. તેમની ટુકડીમાં સ્વ. શ્રી બળવંતરાય મહેતા (ભૂ.પૂ. મુખ્યમંત્રી) પણ હતાં.
તેઓશ્રીએ મુઠ્ઠીમાં મીઠું જતનપૂર્વક સાચવી રાખ્યું તેમને બ્રિટિશ સૈનિકો દ્વારા અસહ્ય ઢોરમાર મારવામાં આવ્યો. પણ મીઠું ભરેલી મૂઠી ખોલી નહિ. આખરે નિર્દય બ્રિટીશ સૈનિકોએ તેમના ગુપ્ત ભાગ ઉપર માર મારતાં તેઓ બેભાન થઈ જવા છતાં મુઠ્ઠી ખુલી ન હતી. તેમાં રહેલું મીઠું અકબંધ હતું. તેઓ જ્યારે ભાન માં ન હતાં ત્યારે તેમની સારવાર ધંધુકાના ડો. આણંદજીવાલાએ કરી હતી. ભાનમાં આવતા તેઓશ્રીની મુઠ્ઠીમાં રહેલા મીઠાની હરાજી કરવામાં આવી તો તેના રૂ. ૨૭૦૦ (સત્યાવીસો) ઉપજ્યા હતા. (જે નહેરુજીની રકમ કરતાં વધારે હતાં.) આ વાત જ્યારે ગાંધીજીએ જાણી ત્યારે તેઓના મુખમાંથી શબ્દો સરી પડ્યા કે “અંબાલાલ શુક્લ જેવા પ૦૦ સૈનિકો હોય તો સ્વરાજ્ય મારી મુઠ્ઠીમાં છે.”
પૂ.ગાંધીજી જ્યારે જેલમાં હતા ત્યારે નવજીવન પત્રિકાની સાયક્લોસ્ટાઈલ પત્રિકાઓ છાપી ને ગામે ગામ પહોંચાડતા હતા. આ માટે તેમની ધરપકડ કરીને પાંચ વર્ષ માટે બ્રિટિશ રાજ્યની હદની બહાર તડીપાર કરવામાં આવ્યાં હતાં.
તેઓશ્રી આધ્યાત્મિક બળ પણ ધરાવતા હતા. ગાંધીજીના અવસાન દિવસથી અચોક્કસ મુદત ના ઉપવાસ કર્યા હતા અને મૌનવ્રત પણ રાખીને ઉપવાસ કર્યા હતા અને મૌનવ્રત પણ રાખીને કરેલા ૨૧ દિવસના ઉપવાસ બાદ પારણાં કર્યાં હતાં, એકવાર ૪૫ દિવસના અને એકવાર ૩૨ દિવસના ઉપવાસ કરીને વિશ્વશાંતિ માટે મૌન ધારણ કર્યું હતું. આ ઉપવાસનાં પારણાં કરાવવા માટે કાલોલના શ્રી માણેકલાલ ગાંધી (મે ૧૯૫૭) આવ્યાં હતાં. તેઓ ઘણીવાર ઊંડા ધ્યાનમાં ઉતરી પડતા અને દિવસો સુધી મૌન રાખીને આધ્યાત્મિક ચેતના મેળવતાં તેઓશ્રીનું ૨૮ જાન્યુ. ૧૯૬૫ના રોજ અવસાન થયું. તેઓએ પરિવારજનો તેઓશ્રીની આ શહીદી સમર્પણ માટે સહર્ષ ગૌરવ અનુભવે છે. મધવાસ અને આસપાસના પ્રદેશના આપણે સૌ આવી ગૌરવવંતી વિભૂતિને કોટિ કોટિ વંદન પાઠવીને પુષ્પાંજલિ અર્પીએ.
Back to Heros of Samaj