sub_banner

Our History

શ્રીગૌડ બ્રાહ્મણો

 

શ્રીગૌડ બ્રાહ્મણો માટેનો ઉલ્લેખ પદ્મપુરાણ, મત્સ્યપુરાણ વગેરે પુરાણોમાં તેમજ ઇતિહાસ વિશેના પુસ્તકો માં મળે છે. પદ્મપુરાણ પાતાલખંડમાંથી ઉદધૃત કરીને શ્રીગૌડ પ્રકાશ નામનું પ્રકાશન ઈ.. ૧૮૮૭માં શ્રી દોલતરામ નારાયણ છાંડનીકરે પ્રસિદ્ધ કર્યું હતું. તેઓ પેટલાદ સંસ્કૃત પાઠશાળાના આચાર્ય હતા. તેમાં શ્રીગૌડ બ્રાહ્મણોનાં ઉદ્ભવ વિશે વિસ્તૃત માહિતી છે. પ્રકાશક શ્રી ખેમરાજ શ્રીકૃષ્ણ દાસ અને લેખક શ્રી હરિકૃષ્ણ વેંકટરામ શર્મા મુંબઈ દ્વારા ઈ.. ૧૯૧૪ બાહમણોત્પત્તિ માર્તન્ડ ગ્રંથમાં શ્રી ગૌડોત્પત્તિ પ્રકરણમાં પણ સમસ્ત શ્રીગૌડ સમાજ માટે નો વિસ્તૃત ઉલ્લેખ કરેલ છે. ત્યારબાદ ખંભાતના શ્રીમાન નર્મદાશંકર ત્રમ્બકરામભટ્ટ દ્વારા સંપાદિત ઈ.. ૧૯૭૪ના સમસ્ત શ્રી ગૌડ બ્રાહ્મણ સમાજનું વસ્તીપત્રક અને ઇતિહાસ ગ્રંથમાં પણ ખૂબ જ વિસ્તૃત અને માહિતીસભર ઉલ્લેખ કરેલ છે. સોલંકી રાજા મૂળરાજે ઈ..૯૪૨-૯૯૭ દરમ્યાન રૂદ્રમાળની પ્રતિષ્ઠા વખતે ઉત્તરના પ્રદેશો કુરુક્ષેત્ર, નૈમિશારણ્ય, કનોજ, પ્રયાગ, કાશી, ગંગાદ્વાર અને ગૌડ વિગેરે પ્રદેશમાંથી કર્મકાંડી બાહ્મણોને તેડાવી સિદ્ધપુર, સિહોર, ખંભાત વગેરે પ્રદેશોમાં વસાવ્યા હતા. વિક્રમ સંવત ૧૧૯૧ના માગશર સુદ-૫ને ગુરુવાર શ્રીગૌડ બ્રાહ્મણોની ગુજરાતમાં આગમન તિથિ શ્રી ગૌડ પ્રાક્સમાં દર્શાવી છે. શ્રી હદનગરથી આવી બ્રાહ્મણો માળવા અને મેરઠમાં વસ્યા અને ત્યાંથી રાજા સિદ્ધરાજ જયસિંહે માળવા જીતીને ગુજરાતમાં ભેળવ્યું. તેથી તે માલવીય અને મેરઠના મેડતવાળ બ્રાહ્મણો કહેવાયા. જેમાં માળવીય બ્રાહ્મણો ગુર્જર શ્રીગૌડ બ્રાહ્મણો કહેવાયા. કવિ નર્મદાશંકરે શ્રીગૌડ બ્રાહ્મણોના જુના, નવા, માલવી અને મેડતવાળ એ ચાર ભેદ જણાવ્યા છે.


પૂરા ગૌડ બ્રાહ્મણાશ્વયા કાશ્મીર દેશ વાસિનઃ
,

શ્રી હે નગરા ત્રિતશ્વિા દિશો દશઃ ।

માલવે યગતાઃ કેચિન્મ રૂધન્વે તથા પરે,

શ્રી ગૌડા ઇતિયન્નામ ગ્રામ શ્રીકાર યોગતઃ ।।

 

અર્થાત બધા ગૌડ બ્રાહ્મણો પહેલા કાશ્મીર દેશ માં વસતા હતા પછી શ્રી હદનગરમાંથી તે બહાર નીકળ્યા અને જેમને જ્યાં સારું લાગ્યું ત્યાં ગયા. કોઈ માળવા તો કોઈ મેરઠ, કોઈ મારવાડ અને કોઈ વાગડ દેશમાં ગયા, હવે ગૌડ બ્રાહ્મણો શ્રી હદનગરથી આવ્યા તેથી શ્રીગૌડ કહેવાય.

 

શ્રીગૌડ બ્રાહ્મણોનું મૂળ સ્થાન કાશ્મીર હતું. તે ભૂમિમાં વેદપાઠી અગ્નિહોત્રી અને સારસ્વત બ્રાહ્મણોનું વસતા હતા. દૈવ યોગે ત્યાંથી તેઓ પંજાબ, કાન્યકુબ્જ, અયોધ્યા, અલ્હાબાદ અને ગૌડ વિગેરે દેશોમાં ગયા.

 

ભારતના વિધ્યાચલની ઉત્તરના રહેનારા પંચગૌડ કહેવાયા. જેમના ભેદ સારસ્વત, કાન્યકુબ્જ, ગૌડ, મૈથિલ, અને ઉત્કલ એમ પાંચ છે. આ પંચગૌડના પેટા વિભાગો શ્રીગૌડ, માલવીય, માથર, મૈથિલ, માગધ, સિંધુ, સનાઢ્ય, ગંગાતટસ્થ, હરયાણ, ગુર્જર, મારૂસ્થલ અને ગૌડ એમ બાર સ્થળોના નામ ઉપરથી તે સ્થળના ગૌડ બ્રાહ્મણો કહેવાય.

 

બીજા મત પ્રમાણે તેની વસ્તી વધવાથી અને માતાજીની આજ્ઞાથી માળવામાં વિધ્યાચલ ની તળેટીમાં આવેલા હદનગરમાં વસવાટ કર્યો. ત્રીજા મત અનુસાર દુષ્કાળને કારણે તેઓને સ્થળાંતર કરવું પડ્યું હતું. વળી ચોથા મત પ્રમાણે શ્રીગૌડ બ્રાહ્મણો મૂળ ગૌડપ્રદેશ જે બંગાળ કહેવાય છે ત્યાંના રહેવાસી હતાં. તેથી તેઓ બંગાળના ગૌડ શહેરમાંથી હદનગરમાં ગયા. તેના મત પ્રમાણે આ હદનગર તે અત્યારનું “સિલહદ” છે. તેઓની ભાષામાં તેને શ્રીહદ કહેવામાં આવતું હતું. વેપારનું સ્થળ હોવાથી તેનું નામ હદ એટલે હાટ પડ્યું હશે. આમ શઅરીહદનું શ્રી અને ગૌડપ્રદેશનું ગૌડ એમ બંને મળીને શ્રીગૌડ શબ્દ બન્યો છે. શ્રીગૌડ તરીકે ઓળખાતા નવા શ્રીગૌડ બ્રાહ્મણો માળવાના બડનગર અથવા બડવાનીમાંથી આવ્યા હોવાનો ઉલ્લેખ છે. તેઓની વસ્તી ઇન્દોર, ઉજ્જૈન, ઘાટ, બડવાની વગેરે સ્થળોએ પણ છે. ગૌડમાંથી આ બ્રાહ્મણો માળવા અને ગુજરાત આવ્યા અને તેઓની કુળદેવી મહાલક્ષ્મી માતાજી હોવાથી શ્રી ગૌડ બ્રાહ્મણો તરીકે ઓળખાવા લાગ્યા.

 

શ્રી મહાલક્ષ્મી માતાજી ની કૃપાથી સર્વે ગુણોથી સમાન શ્રી ગૌડ બ્રાહ્મણો જેઓ અઢાર હજારની સંખ્યામાં હતા. જેઓ વેદધર્મ તેમજ જ્યોતિષ વગેરે અન્ય વિધ્યાઓના જાણકાર હતા તેઓને વસાવ્યા હતા. લક્ષ્મી માતાએ વરદાન આપ્યું હતું કે તેઓએ કોઈપણ ગામમાં જઈને કોઈની પણ પાસેથી દાન ગ્રહણ કરવું નહિ. હું વિષ્ણુ ભગવાન સાથે અહીં સ્થિત રહીશ. જો તમે દાન ગ્રહણ કરશો તો તમારા ઘરેથી ચાલી જઈશ. શ્રીહદનગરમાં શ્રીગૌડ બ્રાહ્મણો નિત્ય, તપ, જપ, સ્વાધ્યાય વિગેરેમાં મગ્ન રહેતાં હતા તેમજ રાગ દ્વેષ રહિત થઈ યજ્ઞ યાગાદિ જપ અનુષ્ટાન કરતા અને આધિ, વ્યાધિ, ઉપાધિ થી મુક્ત રહેતા. એક વખત દ્વિદોત્તમ શિવશર્મા અગ્નિક્ષેત્રની દીક્ષા લઈને શ્રીહદનગરથી યાત્રા પ્રયાણ કરવા માટે નીકળ્યા. યાત્રા કરતા કરતા સ્વજનો સાથે માંધાતા મમલેશ્વર તીર્થમાં આવી તપ કરવા લાગ્યા. તે વખતે ત્યાં સુધામા નામનો સૂર્યવંશી રાજા રાજ્ય કરતો હતો. તે અનેક પ્રકારના યજ્ઞ અનુષ્ઠાન માટે પ્રખ્યાત હતો. તે અર્યમાં નામનો યજ્ઞ કરાવતો હતો. તે હંમેશા કહેતો કે મારા યજ્ઞમાં એવા શ્રેષ્ઠ બ્રાહ્મણોને નિમંત્રો કે જેઓ પરિગ્રહ સ્વીકારતા ન હોય, એટલામાં શિવ વર્મા વિદ્વાન શ્રીગૌડ બ્રાહ્મણ જેઓ અયાચકવ્રતધારી હતા. તેઓ ત્યાં આવી ચડ્યા. આ યજ્ઞના બાહ્મણોને તેમના આગમનની જાણ રાજાને કરી. આથી મધૂપર્ક વગેરે લઈને શિવ શર્મા સન્મુખ ગયો. શિવશર્માને થયું કે રાજા મારી પાસે શા માટે આવ્યો છે? બ્રાહ્મણોએ કહ્યું કે ‘રાજા તમોને યજ્ઞમાં નિમંત્રણ આપવા માટે આવ્યા છે.' શિવ શમન ના પાડી ત્યારે રાજાએ વિનંતી કરી કે તેઓ મારા પરામાં આવી તેને સનાથ કરે. આવા દીનવચનો સાંભળી શિવશર્માએ ના પાડી. તેથી રાજા બોલ્યો કે 'હે દ્વિજોતમ ! જે માણસો યજ્ઞ કરે છે તે યજ્ઞમાં આમંત્રણ ન હોય તો પણ તમારા જેવા મહાત્મા બાહ્મણો યજ્ઞમાં જાય છે. આથી ફરી વિનંતી કરું છું કે યજ્ઞમાં પધારો.' આથી શિવશર્મા યજ્ઞમાં ગયા. ત્યાં રાજાએ તેમને સિંહાસન પર બેસાડી અય્યપાદાદિથી સત્કાર તેની પૂજા કરી અને દક્ષિણા આપવા કહ્યું.

 

તમારા જેવા વેદજ્ઞ પંડિતો ને પ્રતિ ગ્રહ દોષ લાગતો નથી. જેવી રીતે ભસ્મથી ઢંકાયેલો અગ્નિ દોષરહિત હોય છે.' રાજાએ ફરીથી દાન સ્વીકારવા આગ્રહ કર્યો ત્યારે શિવશર્માએ કહ્યું. ‘અમારા કુળ થી ઉત્પન્ન થયેલા શ્રીગૌડ બ્રાહ્મણોને શ્રી લક્ષ્મીજીને વરદાન આપી કહ્યું કે લોકોના કલ્યાણ માટે સદાય પ્રવુત્ત રહેતા તેઓએ કોઈનો પણ પરિગ્રહ સ્વીકારવો નહીં. આથી હું તે સ્વીકારીશ નહીં.' રાજાએ શાંત મનથી વિચારી ફુલોથી વીંટાળેલ સુવર્ણહાર ગુપ્ત રીતે કંઠે અર્પણ કર્યો. શિવ શર્મા પોતાના ઉતારે પાછા આવી જોયું તો તેમના ગળામાં સુવર્ણનો હાર છે. તુરત જ ગળામાંથી કાઢી ને ફેંકી દીધો પરંતુ શિવ શર્માએ જોયું કે આશ્રમમાંથી સધળું ધન જતું રહ્યું. શિવ શર્માને આશ્ચર્ય થયું વિચાર્યું કે કંઈ ખોટું કામ થઇ ગયું છે. પછી વિચાર આવ્યો કે રાજાના યજ્ઞમાંથી અજાણ્યે સુવર્ણહાર સ્વીકારાયો તેથી આમ બન્યું છે. પસ્તાવો થયો અને પોતાની જાતને નિંદવા લાગ્યા. તે સમયે શ્રીહદનગરમાંથી ઈષ્ટદેવીશ્રી મહાલક્ષ્મી ચાલી નીકળ્યા. આથી બ્રાહ્મણોએ તેમને વિનંતી કરી કે તમારી સેવામાં સદા અમે તત્પર રહીશું અને ધર્મમના સદા રત રહીશું પણ તમે અહીંથી જશો નહીં, આથી લક્ષ્મીજીએ કહ્યું ‘શિવ શર્મા બ્રાહ્મણે સુધામાં રાજાના યજ્ઞમાં જઈ સુવર્ણનો હાર સ્વીકાર્યો છે માટે હું આ નગરમાંથી વિદાય લઉં છું. તમો અન્ય પ્રદેશમાં વસજો અને તેજસ્વી એવા તમે સદા વૃદ્ધિ પામશો. તમારે ધર્મનું આચરણ નિત્ય ચાલુ રાખવું. ઘણા ઋષિઓ ધર્માચરણથી જ અને યજ્ઞ વગેરે કરવાથી બ્રહ્મલોક માં વસે છે.'

 

શ્રી મહાલક્ષ્મી માતાજી બોલ્યા, ‘હે શ્રીગૌડ બ્રાહ્મણો, હું તમારા કુળાચારના ધર્મો વિશે કેટલાક બોધ કરું છું તે સાંભળો.’

() શ્રુતિ, સ્મૃતિ તથા પુરાણને જાણનારો, સંતોષી અને નિરંતર પવિત્ર, તપ અને પોતાના કામમાં ઉત્સાહી છે તેને જ દેવતાઓ બ્રાહ્મણ કહે છે.

() બીજાને સુખી જોઈ ખુશ થનાર, ગંભીર, કુસંગરહિત, સર્વ પ્રાણીઓનું હિત ચાહનાર, નિરંતર શાંત હોય તેને જ દેવતાઓ બ્રાહ્મણ કહે છે.

() પંચ જ્ઞાનેન્દ્રીયો અને પાંચ કર્મેન્દ્રીયો જેની જીતાયેલી છે. વળી ધર્મ પાળનાર, સત્યવાદી, પવિત્ર અને કામક્રોધ જેને વશ છે તેને દેવતાઓ બ્રાહ્મણ કહે છે.

() સદાચારી શ્રીગૌડ બ્રાહ્મણો કુળવાન હોય છે.

() પાતાદ્રી, નાસ્તિક, બીજાનું ધન પ્રપંચથી લેનાર, આચાર ભ્રષ્ટ અને પોતાના કુળની ખાલી બડાઈ મારનાર તેમજ બીજાની નિંદા કરી હલકો પાડનાર શ્રીગૌડ બ્રાહ્મણ કુળદિન છે એમ જાણવું.

() હિંસા ન કરવી અને સાચું બોલવું એ જ કલ્યાણનું સાધન છે.

() અનાચાર એ મોટો અધર્મ છે તેથી અનાચારી બ્રાહ્મણો કુળહીન છે.

() વિદ્યા ભણવી, ભણાવવી, તીર્થયાત્રા કરવી, ક્ષમા રાખવી, સત્સંગ સમાગમ કરવો અને અતિથિ ને આશરો આપવો એ કુળવાન બ્રાહ્મણનું લક્ષણ છે.

() ઈર્ષ્યા કરવી નહીં, ક્ષમા, શાંતિ, સંતોષ, મધુરવાણી રાખવી અને કામ, ક્રોધને વશ રાખી પરોણા (મહેમાન)ની વિવેકથી સ્વાગત કરવી એ કુળવાન બ્રાહ્મણના લક્ષણ છે.

(૧૦) કુળાચાર ભ્રષ્ટ, કુળહીન, તેમજ શુદ્રતાને જીવનમાં સ્થાન ન આપવું તે બ્રાહ્મણોનું લક્ષણ હોવું જોઈએ.

 

આ બોધ સાંભળી શ્રીગૌડ બ્રાહ્મણો પોતાની બુદ્ધિ પ્રમાણે શ્રી માતાજીની સ્તુતિ કરવા લાગ્યા કે : “હે શ્રી મહાલક્ષ્મી દેવીમાતા ! ત્રણેય લોકમાં માયારૂપ, કાત્યાયની દેવી વિદ્યાનચળ પર્વત નિવાસી દેવી, જયા, વિજયાદેવી, અનેક દૈવી ગુણ ધારણ કરનારી દેવી, અમો સૌ તમારા ઉપાસકો તમોને શીરસાષ્ટાંગ પ્રણામ કરીએ છીએ તે તમે કૃપા કરી સ્વીકારજો.’

 

આ સ્તુતિ સાંભળી માતા હર્ષ પામી ત્યાંથી વિદાય થયા પછી સર્વે શ્રીગૌડ બ્રાહ્મણો પોતપોતાના કુટુંબ લઈ અન્ય દેશોમાં ચાલ્યા ગયા.

() કેટલાક કુટુંબ માળવામાં જઈ વસ્યા તે માળવી શ્રીગૌડ કહેવાયા.

() કેટલાક કુટુંબ મેરઠ, મેડતાય નામના પ્રદેશમાં જઈને વસ્યા. તેથી તે મેડતવાળ સંજ્ઞાવાળા થયા.

() કેટલાંક કુટુંબ હરિયાણા પ્રદેશ જઈને વસ્યા તેથી હરિયાણીયા સંજ્ઞાવાળા થયા.

() કુટુંબ પરવાળા પ્રદેશમાં સિંધુ કાંઠે વસ્યાં. તેઓએ પરવાળાના વેપારમાં ઘણું દ્રવ્ય મેળવી પ્રખ્યાત થયા તે ઉપરથી તેમની શાખાનું નામ પરવાળીયા સંજ્ઞા પડી.

() શ્રીહદ નગરમાંથી અન્ય દેશોમાં ન જતાં બાકી છે ત્યાં જ રહ્યા અને મહાલક્ષ્મીના ગયા પછી વિધાહીન થઈ ગયા તે ગુર્જરગૌડ એ સંજ્ઞા થી ઓળખાયા.

 

ગંગા તોય અમા સદા ગુણતયે, વેદામ્બુજે પારગા

શુક્લા વર્ણવિચાર ચાર ચતુરા, શ્રીગૌડ જ્ઞાતિ પુરા

વ્યાક્રણાદિ સમસ્ત શાસ્ત્ર કુશલા, દેવાર્યના તત્પરા

જ્ઞાનં દિવ્ય દિવા કરો, દ્વિજવરો શ્રીગૌડ સર્વોપરી.

 

અર્થાત : ગંગાજળ સમા પવિત્ર ગુણોત્તમ, વેદમાં પારંગત, તેજસ્વીવર્ણ અને ચતુર વિચારોવાળા, વ્યાકરણાદિ શાસ્ત્રોમાં કુશળ, દેવોના પૂજન અર્ચનમાં સદા તત્પર, દિવ્ય જ્ઞાનથી દેદીપ્યમાન તેવા બ્રાહ્મણ શ્રેષ્ઠ શ્રીગૌડ બ્રાહ્મણ સર્વે મનુષ્ય જાતિમાં સર્વોપરી છે.

 

"ગુજરાતના બ્રાહ્મણોનો ઈતિહાસ” ગ્રંથ માં આપેલી માહિતી અનુસાર, ગુજરાતના રાજા મુળરાજ સોલંકી જેઓનો શાસનકાળ ઈ..૯૪રથી ઈ..૯૯૭ હતો અને જયારે સોલંકી યુગનો સૂર્ય સોળે કળાએ તપતો હતો. (સમયગાળો ઈ..૧૧૩૦ આસપાસ) ત્યારે તેમણે શ્રીગૌડ બ્રાહ્મણોને માળવાથી આમંત્રણ આપી બોલાવ્યા. બારમી સદી માં રૂદ્રમાળના પુનરોદ્ધાર વખતે સંવત ૧૧૮૦ના માગશર સુદ પાંચમના દિવસે રાજા સિદ્ધરાજે પણ શ્રીગૌડ બ્રાહ્મણોને આમંત્રણ આપી બોલાવ્યાનો ઉલ્લેખ છે. સિદ્ધરાજે જે ગામોમાં તેઓને વસાવ્યા હતા. તે ગામના તેમનો કાયમી વસવાટ ને કારણે તે સંજ્ઞાથી તેઓ ઓળખાવા લાગ્યા. આથી જે બ્રાહ્મણો ધોળકા માં વસ્યા તેઓ ધોળકિયા શ્રીગૌડ બ્રાહ્મણો તરીકે ઓળખાયા. રૂદ્રમાળનું મુહૂર્ત આપનાર પ્રાણધર શાસ્ત્રીના પુત્ર ગંગાધર શાસ્ત્રી અને બીજા શ્રીગૌડ બ્રાહ્મણો માળવાથી ગુજરાતમાં આવ્યા હતા. એમ બરોડા સ્ટેટ ગેજેટીયરમાં જણાવેલ છે. રાજાએ શ્રીગૌડ બ્રાહ્મણોને માળવાથી તેડાવી ગૌદાન, ભૂમિદાન, હિરણ્ય દાન અને બીજા કેટલાક ગામોના દાન આપીને ગુજરાતમાં વસાવ્યા હતા. જેઓ પહેલા આવ્યા તેઓ જુના શ્રીગૌડ બ્રાહ્મણો કહેવાયા. નવાશ્રી ગૌડમાં ભાદરણીયા, વડેલિયા, છાળેચા, અને કાશ્મીરીયા તરીકે જાણીતા છે. ચંદ્રાણિ, કૃષ્ણાત્રિ કુળમાં પેદા થયેલા બધા કુળવાન છે. કાત્યાયની, બુટીયા અને નાયલ પણ કુળવાન ગણાય છે. શ્રી ગૌડ બ્રાહ્મણોમાં જેઓ યજ્ઞ કરતા તેથી દિક્ષીત, વેદાભ્યાસ કરવાથી પાઠક, જયોતિષના અભ્યાસુઓ જોશી, શાસ્ત્રોના અભ્યાસુઓ ભટ્ટ, બે વેદના અભ્યાસુઓ દ્વિવેદી કે દવે, કર્મકાંડના અભ્યાસુઓ ઉપાધ્યાય, વ્યવહારિક શાસ્ત્રના અભ્યાસુઓ પંડ્યા કે પંડિત કહેવાયા. મહારાષ્ટ્રના પંડિતોના સંપર્કથી કેટલાક પંડ્યામાંથી પંડિત કહેવાયા છે. સામવેદના પાઠીઓ ત્રિપાઠી, શાળામાં અભ્યાસ કરાવનાર અધ્યારૂ તેમ જ મહેતા કહેવાયા છે. ગૌતમ ઋષિના વંશમાં પેદા થયેલા લાછલા ગામના નિવાસી વ્યાસ તેમજ સંધાણા ગામના નિવાસી મૌનસ ગોત્રના ત્રણ પ્રવરવાલા જોશી કહેવાય છે. આચારનું પાલન, વિદ્યાભ્યાસમાં રત અને સદાય વિનમ્ર રહેવું એ શ્રી નિવાસી મૌનસ ગોત્રના ત્રણ પ્રવરવાલા જોશી કહેવાય છે. આચાર નું પાલન, વિદ્યાભ્યાસમાં રત અને સદાય વિનમ્ર રહેતું એ શ્રી ગૌડ બ્રાહ્મણોનું કુલીનપણું છે અને તેના ઉપર મહાલક્ષ્મી દેવી પ્રસન્ન રહે છે. આ તમામ વિગતે શ્રીગૌડપ્રકાશના પત્રકમાં આપેલ છે જે આ પછીના પ્રકરણમાં વિસ્તારથી સમજાશે .

 

સંદર્ભ :

શ્રીગૌડ માર્તન્ડમાંથી